GU/Prabhupada 0100 - આપણે શાશ્વત રીતે કૃષ્ણથી સંબંધિત છીએ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on SB 6.1.8 -- New York, July 22, 1971

તો આપણે કૃષ્ણ સાથે શાશ્વત રીતે સંબંધ ધરાવીએ છીએ. અત્યારે તે ફક્ત ભુલાઈ ગયેલો છે, દબાઈ ગયેલો છે. તેથી આપણે વિચારી રહ્યા છીએ કે આપણે કૃષ્ણ સાથે કોઈ સબંધ નથી. પરંતુ તે હકીકત નથી. કારણકે આપણે કૃષ્ણના અભિન્ન અંશ છીએ, સંબધ શાશ્વત છે. આપણે ફક્ત તેને જાગૃત કરવાનો છે. તેજ કૃષ્ણ ભાવનામૃત છે. કૃષ્ણ ભાવનામૃત નો અર્થ ... હાલમાં આપણે જુદીજ ભાવનામાં છીએ. હું વિચારી રહ્યો છું કે હું ભારતીય છું. કોઈ બીજું વિચારી રહ્યું છે કે "હું અમેરિકન છું." કોઈ વિચારી રહ્યું છે કે "હું આ છું, હું તે છું" પરંતુ હકીકતમાં વિચારણા હોવી જોઈંએ "હું કૃષ્ણનો છું." તે કૃષ્ણ ભાવનામૃત છે "હું કૃષ્ણનો છું." અને કૃષ્ણ ભાવનામૃતના સબંધમાં, કારણ કે કૃષ્ણ દરેક માટે છે. તેથી હું પણ દરેકનો બનું છું. જરા સમજવાનો પ્રયત્ન કરો. ભારતમાં, પદ્ધતિ છે કે જયારે એક છોકરી એક છોકરા સાથે પરણે છે, તો, તમારા દેશમાં પણ છે, બધે જ આ પદ્ધતિ છે. જેમ કે છોકરાનો ભત્રીજો છોકરીને "કાકી" થી બોલાવે છે. હવે તે કાકી કેમ બની જાય છે? કારણકે તેના પતિ સાથેના સબંધને કારણે. લગ્ન પહેલા તે કાકી ન હતી. પરંતુ જેવો તેનો પતિ સાથે સબંધ થયો ત્યારે, પતિનો ભત્રીજો તેનો પણ ભત્રીજો બન્યો. આ ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરો. તેવી જ રીતે, જો આપણે આપણો સબંધ અથવા કૃષ્ણ સાથેનો મૂળ સબંધ પુનઃસ્થાપિત કરીએ, અને કૃષ્ણ દરેક માટે છે. તેથી હું પણ દરેક માટે છું. તે જ વાસ્તવિક વૈશ્વિક પ્રેમ છે. જ્યાં સુધી તમે કેન્દ્રિય બિંદુ સાથે તમારો સબંધ પ્રસ્થાપિત ના કરો ત્યાં સુધી કેહવાતો વૈશ્વિક પ્રેમ સ્થાપિત થઈ શકે નહીં. જેમ કે તમે અમેરિકન છો. શા માટે? કારણ કે તમે આ ભૂમિમાં જન્મ્યા છો. તેથી બીજો અમેરિકન તમારા દેશનો સભ્ય ગણાય, પરંતુ જો તમે બીજા કોઈક હોવ, તો પછી તમારો બીજા અમેરિકન સાથે કોઈ સબંધ નથી. તેથી આપણે આપણો સબંધ કૃષ્ણ સાથે પુનઃસ્થાપિત કરવો પડે. ત્યાર પછીજ વૈશ્વિક ભાઈચારો, ન્યાય, શાંતિ, વિકાસના પ્રશ્નો ઉદભવે. નહીં તો, કોઈ શક્યતા નથી. વચ્ચેનુ બિંદુ ખોવાય છે. ન્યાય અને શાંતિ કઈ રીતે હોય શકે? તે શક્ય નથી.

તેથી ભગવદ ગીતામાં શાંતિ નું સુત્ર આપવામાં આવેલું છે. ફક્ત કૃષ્ણ જ ભોક્તા છે. તે દરેકે સમજવું જોઈએ - તે જ શાંતિનું સુત્ર છે. જેમ કે આ મંદિરમાં, કૃષ્ણ જ આપણું કેન્દ્રિય બિંદુ છે. જો આપણે રાંધતા હોઈએ, તો તે કૃષ્ણ માટે જ, એવું નહીં કે આપણે આપણા માટે રાંધીએ છીએ. આખરે, જો કે આપણે તે પ્રસાદ લઈશું, પરંતુ જ્યારે આપણે રાંધીએ, ત્યારે વિચારતા નથી કે આપણે આપણા માટે રાંધીએ છીએ. આપણે કૃષ્ણ માટે રાંધીએ છીએ. જયારે તમે બહાર થોડો ફાળો ભેગો કરવા જાવ, જેઓ કીર્તન મંડળીમાં છે, તેઓને કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી. ના. તેઓ ફાળો ભેગો કરે છે અથવા તેઓ સાહિત્યનું વિતરણ કરી રહ્યા છે, ફક્ત કૃષ્ણ માટે, ફક્ત લોકોને કૃષ્ણ ભાવનામય બનાવવા માટે. અને જે પણ ફાળો છે, તે કૃષ્ણ માટે જ વપરાઈ રહ્યો છે. જો આ રીતે, જયારે આ પ્રકારની જીવન શૈલી આપણે અમલમાં મુકીએ, બધુ કૃષ્ણ માટે, તે કૃષ્ણ ભાવનામૃત છે. જે આપણે કરી રહ્યા છે તેજ વસ્તુ આપણે કરવાની છે. ફક્ત આપણે ભાવનાને બદલવાની છે કે "હું કૃષ્ણ માટે કરી રહ્યો છુ, નહીં કે મારા સ્વાર્થ માટે." આ રીતે, જો આપણે કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરીએ, તો પછી આપણે મૂળભૂત ભાવનાને પ્રાપ્ત કરીએ છીએ. પછી આપણે સુખી બનીએ.

જો આપણે મૂળભૂત ભાવના પ્રાપ્ત કરીએ નહીં તો પછી આપણે જુદા જુદા અંશે પાગલ છીએ. કોઈ પણ જે કૃષ્ણ ભાવનામૃતમાં નથી તે પાગલ જ હોવો જોઈએ કારણકે, તે કામચલાઉ, નાશવંતને આધીન એવા પાયા ઉપર વાત કરી રહ્યો છે. તેનો નાશ થશે. પરંતુ આપણે, જીવાત્માઓ, શાશ્વત છીએ. તેથી કામચલાઉ કાર્ય આપણું કાર્ય નથી. આપણું કાર્ય શાશ્વત હોવું જોઈએ કારણકે આપણે શાશ્વત છીએ. અને આપણું શાશ્વત કાર્ય કૃષ્ણની કેવી રીતે સેવા કરવી તે છે. જેમ કે આ આંગળી મારા શરીરના અભિન્ન ભાગરૂપે છે, પરંતુ આંગળીનું શાશ્વત કાર્ય તો આ શરીરની કેવી રીતે સેવા કરવી તે જ છે. અહી, તેને બીજું કોઈ કાર્ય કરવાનું નથી. અને તે આંગળીની સ્વસ્થ અવસ્થા છે. જો તે સંપૂર્ણ શરીરની સેવા ના કરી શકે, તો તે રોગ ગ્રસ્ત સ્થિતિમાં છે. તે જ પ્રમાણે, કૃષ્ણ શાશ્વત છે; આપણે શાશ્વત છીએ. નિત્યો નીત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). આ વૈદિક સૂચનાઓ છે. શ્રી કૃષ્ણ પરમ શાશ્વત છે, અને આપણે પણ શાશ્વત છીએ. આપણે પરમ શાશ્વત નથી, આપણે તેમના આધીન છીએ. નિત્યો નીત્યાનામ ચેતનસ ચેતનાનામ. તેઓ પરમ જીવાત્મા છે, અને આપણે આધીન જીવાત્માઓ છીએ. એકો બહુનામ યો વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તે પરમ શાશ્વત જીવાત્મા, જીવનની તમામ જરૂરિયાતો અગણિત જીવાત્માઓને પૂરી પાડે છે. એકો બહુનામ, અગણિત જીવાત્માઓ. તમે તેમની ગણતરી ના કરી શકો. બહુનામ. આ આપણો સબંધ છે. તેથી અભિન્ન અંશ હોવાથી, આપણે કૃષ્ણની સેવા કરવી જ પડે, અને આપણે તેમના આધીન છીએ. તેઓ આપણી જરૂરિયાતો પૂરી પડે છે. તેઓ પરમ પિતા છે. આ જીવન જ સાચું છે અને મુક્ત જીવન છે. બીજું કોઈ પણ જીવન, કૃષ્ણ ભાવનામૃત વિનાનું જીવન, તે પાપમય જીવન છે.