GU/Prabhupada 0430 - ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે ભગવાનનું દરેક નામ ભગવાન જેટલું જ શક્તિશાળી છે



Lecture on BG 2.11 -- Edinburgh, July 16, 1972

નામનામ અકારી બહુધા નિજ સર્વ શક્તિસ
તત્રાર્પિતા નિયમિત: સ્મરણે ન કાલ:
એતાદ્રશી તવ કૃપા ભગવન મમાપી
દુર્દૈવમ ઇદ્રશામ ઇહાજની નાનુરાગ:
(ચૈ.ચ. અંત્ય ૨૦.૧૬)

ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે ભગવાનનું દરેક નામ તેમના જેટલું જ શક્તિશાળી છે. કારણકે ભગવાન નિરપેક્ષ છે, તેથી તેમના નામ, રૂપ, લીલામાં કોઈ ફરક નથી. કશું પણ ભગવાનથી અલગ નથી. તે નિરપેક્ષ જ્ઞાન છે. અદ્વય જ્ઞાન. તો જો તમે ભગવાનના પવિત્ર નામનો જપ કરો, તેનો મતલબ તમે ભગવાન સાથે સીધા સંપર્કમાં છો. કારણકે નામ ભગવાનથી અલગ નથી. સમજવાનો પ્રયત્ન કરો. તેવી જ રીતે, જો તમે અગ્નિને સ્પર્શ કરશો, તે કાર્ય કરશે. જો તમે જાણતા નથી, અથવા જાણો છો, અગ્નિનો ગુણ શું છે, તેનો ફરક નથી પડતો. જો તમે અગ્નિને સ્પર્શ કરશો, તે કાર્ય કરશે. તેવી જ રીતે, જો તમે વાસ્તવમાં ભગવાનના પવિત્ર નામનો જપ કરશો, તે કાર્ય કરશે. ઉદાહરણ છે, જેમ કે તમે અગ્નિમાં એક લોખંડનો સળિયો મૂકો છો, તે ગરમ બને છે, વધુ ગરમ, અને ધીમે ધીમે, તે લાલચોળ બની જાય છે. અગ્નિના સંગમાં રહીને, લોખંડનો સળિયો અગ્નિ બને છે. લોખંડનો સળિયો અગ્નિ નથી. પણ અગ્નિના સંગમાં રહીને, તે અગ્નિ જ બની જાય છે, જેથી જ્યારે તે લાલચોળ છે, તમે ક્યાય પણ સ્પર્શ કરો, લોખંડનો સળિયો દઝાડશે. તેવી જ રીતે, જો તમે પોતાને હમેશા ભગવાનના સંપર્કમાં રાખો, તો તમે ધીમે ધીમે, ભગવાન જેવા બની જાઓ છો. તમે ભગવાન નથી બનતા, પણ તમે ભગવાન જેવા બની જાઓ છો. જેવા તમે ભગવાન જેવા બની જાઓ છો, પછી તમારા બધા ભગવાન જેવા ગુણો બહાર આવે છે. આ વિજ્ઞાન છે. સમજવાનો પ્રયત્ન કરો. આપણે ભગવાનના અંશ છીએ, દરેક જીવ. તમે પોતાનો અભ્યાસ કરીને ભગવાનનો અભ્યાસ કરી શકો છો, ભગવાન શું છે. કારણકે હું ભગવાનનો ભાગ છું, અને જેમ કે, એક ચોખાના થેલામાથી, જો તમે ચોખાના અમુક દાણા લેશો, તમે જોશો, તમે સમજશો કે થેલામાં કેવા પ્રકારના ચોખા છે. તેવી જ રીતે, ભગવાન મહાન છે, તે ઠીક છે. પણ જો આપણે ફક્ત પોતાનો અભ્યાસ કરીએ, તો આપણે સમજી શકીએ કે ભગવાન શું છે. જેમ કે તમે મહાસાગરમાથી પાણીનું એક ટીપું લો. તમે સમજી જશો કે મહાસાગરની રાસાયણિક રચના શું છે. તમે સમજી શકો. તો તેને ધ્યાન કહેવાય છે, પોતાનો અભ્યાસ કરો, "હું શું છું?" જો વ્યક્તિએ વાસ્તવમાં પોતાનો અભ્યાસ કર્યો છે, તો તે ભગવાનને પણ સમજી શકે. હવે લો, ઉદાહરણ તરીકે, "હું શું છું?" તમે પોતાના પર પણ ધ્યાન કરી શકો, તમે સમજી શકો કે તમે એક વ્યક્તિગત વ્યક્તિ છો. વ્યક્તિગત વ્યક્તિ મતલબ તમારે પોતાનો મત છે, મારે પોતાનો મત છે. તેથી ક્યારેક આપણે સહમત નથી થતાં. કારણકે તમે વ્યક્તિગત છો, હું વ્યક્તિગત છું. અને કારણકે આપણે બધા વ્યક્તિગત છીએ, ભગવાનના અંશ તરીકે, તો ભગવાન પણ વ્યક્તિગત હોવા જોઈએ. આ અભ્યાસ છે. જેમ હું એક વ્યક્તિ છું, તો ભગવાન પણ એક વ્યક્તિ છે. ભગવાન નિરાકાર ના હોઈ શકે. જો આપણે ભગવાનને મૂળ પિતા તરીકે લઈએ છીએ, પરમ પિતા... ખ્રિસ્તી ધર્મ મને છે. બીજા બધા ધર્મો માને છે. અને આપણે પણ માનીએ છીએ, ભગવદ ગીતા. કારણકે કૃષ્ણ કહે છે, અહમ બીજ પ્રદ: પિતા (ભ.ગી. ૧૪.૪), "હું બધા જીવોનો મૂળ પિતા છું." તો જો ભગવાન બધા જીવોના પિતા હોય, અને આપણે જીવો, આપણે વ્યક્તિગત વ્યક્તિ છીએ, કેવી રીતે ભગવાન નિરાકાર હોઈ શકે. ભગવાન વ્યક્તિ છે. આને તત્વજ્ઞાન કહેવાય છે; આ છે તર્ક.

હવે, અહી, આ જગતમાં, આપણને અનુભવ છે કે આપણે કોઈને પ્રેમ કરવા ઈચ્છીએ છીએ. કોઈ પણ. પ્રાણી રાજ્યમાં પણ. એક સિંહ પણ બચ્ચાને પ્રેમ કરે છે. પ્રેમ છે. તો તેથી આ પ્રેમમય કાર્યકલાપો ભગવાનમાં પણ છે. અને જ્યારે આપણે ભગવાન સાથે સંપર્કમાં આવીએ છીએ આપણા વ્યવહાર ફક્ત પ્રેમના આધાર પર હોય છે. હું કૃષ્ણને, અથવા ભગવાનને, પ્રેમ કરું છું અને કૃષ્ણ મને પ્રેમ કરે છે. આ આપણું લાગણીનું આદાન પ્રદાન છે. તો આ રીતે, ભગવદ વિજ્ઞાન, કોઈ વેદિક સાહિત્ય વાંચ્યા વગર પણ - અવશ્ય, તે તમને મદદ કરશે - જો તમે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે કે ભગવાન શું છે, તમે ભગવાનને સમજી શકો છો. કારણકે હું ભગવાનનો નમૂનો છું, હું સૂક્ષ્મ અંશ છું. જેમ કે સોનાનું કણ પણ સોનું જ છે. મહાસાગરના પાણીનું ટીપું પણ ખારું જ છે. મહાસાગર પણ ખારું છે, તમે સમજી શકો છો. તેવી જ રીતે, આપણી વ્યક્તિગતતાનો અભ્યાસ કરવાથી, આપણી વૃત્તિઓનો અભ્યાસ કરવાથી, આપણે સમજી શકીએ કે ભગવાન શું છે. આ એક બાજુ છે. અને અહિયાં, ભગવાન વ્યક્તિગત રીતે પોતાને પ્રસ્તુત કરે છે, કૃષ્ણ. તેઓ કહે છે, "યદા યદા હી ધર્મસ્ય... (તોડ) સાધુ ભક્તોના ઉદ્ધાર માટે અને દાનવોને મારવા માટે, હું અવતરિત થાઉં છું." પણ તે યાદ રાખો કે, ભગવાન નિરપેક્ષ છે. તેમનો ભક્તોનો ઉદ્ધાર કરવો, અથવા દાનવોને મારવું, તે એક જ વસ્તુ છે. કારણકે આપણે વેદિક સાહિત્યમાથી શિખીએ છીએ કે દાનવો કે જેમને ભગવાને માર્યા, તેઓ પણ તે જ મુક્તિના બિંદુ સુધી પહોંચ્યા. કારણકે તેનો વધ ભગવાને કર્યો, તેને ભગવાને સ્પર્શ કર્યો.

તો તે એક મહાન વિજ્ઞાન છે. તે એક લાગણી નથી. તે તત્વજ્ઞાન પર અને અધિકૃત વેદિક ગ્રંથો પર આધારિત છે. તો અમારી એક માત્ર વિનંતી છે કે તમે આ આંદોલનને બહુ જ ગંભીરતાથી ગ્રહણ કરો અને તમે સુખી રહેશો.