GU/Prabhupada 0544 - આપણે ખાસ કરીને ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરના ઉદેશ્ય પર ભાર આપી રહ્યા છે



His Divine Grace Srila Bhaktisiddhanta Sarasvati Gosvami Prabhupada's Appearance Day, Lecture -- Mayapur, February 21, 1976

પ્રભુપાદ: આજે, આ શુભ દિવસ, અમારા પૂર્વગામી આચાર્ય, ઓમ વિષ્ણુપાદ પરમહંસ પરિવ્રજાકાચાર્ય અષ્ટોત્તરશત શ્રીમદ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુર પ્રભુપાદ. શ્રીલા ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરનું લક્ષ્ય... તેમના જીવન સિવાય, અમે ખાસ કરીને ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરના લક્ષ્ય પર ભાર આપી રહ્યા છીએ. આ સ્થળ, માયાપુર, પહેલા મિયાપુર તરીકે ઓળખાતું હતું. મોટે ભાગે મુસ્લિમોની વસ્તી હતી. એક યા બીજી રીતે તેનું નામ મિયાપુરને જગ્યાએ માયાપુર થઈ ગયું. છતાં, લોકો ઘણો સંદેહ કરે છે કે શ્રી ચૈતન્ય મહાપ્રભુનું જન્મ સ્થળ કયું છે. અને ભક્તિવિનોદ ઠાકુર વાસ્તવિક સ્થળ શોધવા માટે સંશોધન કરતાં હતા. તો જગન્નાથ દાસ બાબાજી મહારાજના નિર્દેશન હેઠળ, આ વર્તમાન યોગપીઠને શ્રી ચૈતન્ય મહાપ્રભુના જન્મ સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. તો ભક્તિવિનોદ ઠાકુર શરૂઆતમાં આ સ્થળને બહુ જ ભવ્યતાપૂર્વક પૂજવા માંગતા હતા, શ્રી ચૈતન્ય મહાપ્રભુના પવિત્ર નામને છાજે તે રીતે. તો તેમણે માયાપુરના વિકાસનું આંદોલન શરૂ કર્યું. તેઓ સમાપ્ત ના કરી શક્યા, તેથી તેને ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરને અર્પણ કરવામાં આવ્યું. તો તેમના પ્રયત્નોથી, તેમના શિષ્યોના સહકારથી, આ સ્થળનો ધીમે ધીમે વિકાસ થયો છે, અને આપણો પ્રયત્ન પણ આ સ્થળનો વિકાસ કરવાનો છે. તેથી આપણે આ મંદિરનું નામ માયાપુર ચંદ્રોદય રાખ્યું છે. આપણને એક મહાન મહત્વાકાંક્ષા છે કે આ સ્થળ સુંદર અને ભવ્ય રીતે વિકસિત થાય, અને સદભાગ્યે હવે આપણે વિદેશી દેશો સાથે જોડાયેલા છે, ખાસ કરીને અમેરિકનો જોડે. ભક્તિવિનોદ ઠાકુરની મહાન ઈચ્છા હતી કે અમેરિકનો અહી આવે, અને આ સ્થળને વિકસિત કરે, અને તે લોકો કીર્તન કરે અને નૃત્ય કરે ભારતીયો જોડે.

તો તેમનું સ્વપ્ન અને ચૈતન્ય મહાપ્રભુની ભવિષ્યવાણી,

પૃથ્વીતે આછે યત નગરાદિ ગ્રામ
સર્વત્ર પ્રચાર હઇબે મોર નામ
(ચૈ.ભા. અંત્ય ખંડ ૪.૧૨૬)

તો ચૈતન્ય મહાપ્રભુએ ઈચ્છા કરી હતી કે બધા ભારતીયોએ ભાગ લેવો જોઈએ.

ભારત ભૂમિતે મનુષ્ય જન્મ હઇલ યાર
જન્મ સાર્થક કરી કર પર ઉપકાર
(ચૈ.ચ. આદિ ૯.૪૧)

આ ચૈતન્ય મહાપ્રભુનો ઉદેશ્ય છે, પર ઉપકાર. પર ઉપકાર મતલબ બીજાનું કલ્યાણ કરવું. અવશ્ય, મનુષ્ય સમાજમાં ઘણી બધી શાખાઓ છે પરોપકારની - સમાજ કલ્યાણ સંસ્થાઓ - પણ ઓછે વત્તે અંશે... ઓછે વત્તે અંશે કેમ? લગભગ સંપૂર્ણપણે, તેઓ વિચારે છે કે આ શરીર તે પોતે છે, અને શરીરનું ભલું કરવું તે કલ્યાણ કાર્ય છે. પણ વાસ્તવિક રીતે તે કલ્યાણ કાર્ય નથી કારણકે ભગવદ ગીતામાં આપણે બહુ જ સ્પષ્ટ રીતે સમજીએ છીએ, અંતવંત ઈમે દેહ: નિત્યસ્યોક્તા: શરીરિણા: (ભ.ગી. ૨.૧૮) આ શરીર અંતવત છે. અંત મતલબ તે સમાપ્ત થઈ જશે. દરેક વ્યક્તિ જાણે છે કે શરીર શાશ્વત નથી; તે સમાપ્ત થઈ જશે. કોઈ પણ વસ્તુ ભૌતિક - ભૂત્વા ભૂત્વા પ્રલિયતે (ભ.ગી. ૮.૧૯) - તેને જન્મ દિવસ છે, તે થોડો સમય રહે છે, અને પછી તે વિનાશ પામે છે. તો આધ્યાત્મિક શિક્ષણની શરૂઆત થાય છે તે સમજથી કે "હું આ શરીર નથી." આ આધ્યાત્મિક શિક્ષણ છે. ભગવદ ગીતામાં અર્જુનને કૃષ્ણ દ્વારા આપવામાં આવેલી પહેલી શિક્ષા, આ છે, કે આપણે આ શરીર નથી. કારણકે અર્જુન શારીરિક સ્તર પર વાત કરી રહ્યો હતો, તો કૃષ્ણે તેને ઠપકો આપ્યો, કે અશોચ્યાન અન્વશોચસ ત્વમ પ્રજ્ઞા વાદાંશ ચ ભાષસે: (ભ.ગી. ૨.૧૧) "અર્જુન, તું એક મોટા વિદ્વાનની જેમ વાત કરી રહ્યો છે, પણ તું તે વિષય વસ્તુ માટે શોક કરી રહ્યો છે જેના પર કોઈ વિદ્વાન માણસ શોક નહીં કરે." અશોચ્યાન અન્વશોચસ ત્વમ.

તો આવા પ્રકારનું શરીરને લગતું કલ્યાણ કાર્ય, જેમ કે ચિકિત્સાલય અને બીજી ઘણી બધી વસ્તુઓ, તે અવસ્થ્ય સારું છે, પણ અંતિમ ધ્યેય છે આત્માના હિતને જોવું. તે અંતિમ ધ્યેય છે. તે સંપૂર્ણ વેદિક શિક્ષા છે. અને કૃષ્ણ આ મુદ્દાથી શરૂઆત કરે છે. દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા (ભ.ગી. ૨.૧૩).