GU/Prabhupada 0791 - વ્યક્તિ ભગવાનને માત્ર પ્રેમ અને ભક્તિમય સેવાથી સંતુષ્ટ કરી શકે
Lecture on SB 7.9.11 -- Montreal, August 17, 1968
હવે પાછળના શ્લોકમાં તે સમજાવેલું છે કે કોઈ પણ ભૌતિક વૈભવ, કે બાર યોગ્યતાઓથી યોગ્ય બ્રાહ્મણ ફક્ત આવી ઉપલબ્ધીઓ ભગવાનને સંતુષ્ટ ના કરી શકે. વ્યક્તિ ભગવાનને માત્ર પ્રેમ અને ભક્તિમય સેવાથી સંતુષ્ટ કરી શકે. શા માટે? તો પછી શા માટે આટલો બધો વૈભવ રચ્યો છે સરસ મંદિરો અને ચર્ચો ઊભા કરવા, અને આટલો બધો ખર્ચ કરવામાં આવે છે? શું તે ભગવાનને સંતુષ્ટ નથી કરતું? શા માટે તે લોકો આટલું બધુ ધન ખર્ચ કરે છે? આધુનિક અર્થશાસ્ત્રી કહે છે કે આ અનુત્પાદક રોકાણ છે. કારણકે જો તમે એક બહુ મોટા મંદિરનું નિર્માણ કરો... જેમ કે ભારતમાં આપણને ઘણા મંદિરો છે, વિશેષ કરીને દક્ષિણ ભારતમાં, તે દરેક કિલ્લા જેવા છે, બહુ મોટા કિલ્લા. એક મંદિર છે રંગનાથમમાં, તે થોડા માઈલ લાંબુ છે, મંદિર. સાત દરવાજા છે. બહુ જ વિશાળ મંદિર. ઘણા બીજા મંદિરો છે. તેવી જ રીતે, તમારા દેશમાં ઘણા બધા સુંદર ચર્ચો છે. મે આખા અમેરિકામાં ભ્રમણ કરેલું છે, અને મે ઘણા બધા મોટા ચર્ચો જોયેલા છે. અહી પણ, મોન્ટ્રીયાલમાં, ઘણા બધા મોટા ચર્ચો છે. તો શા માટે તે લોકો આટલું બધુ ધન ખર્ચ કરે છે, જો કે આધુનિક અર્થશાસ્ત્રી કહેશે કે તે અનુત્પાદક રોકાણ છે?
તો આ ચર્ચની ઇમારત અથવા મંદિરની ઇમારત અથવા મસ્જિદની ઇમારત અનંતકાળથી ચાલતું આવે છે. લોકો તેમના ધનનું રોકાણ કરે છે, સખત-પરિશ્રમથી કમાયેલું ધન. શા માટે? બેકાર રીતે? અનુત્પાદક? ના. તે લોકો જાણતા નથી. તે લોકો જાણતા નથી કેટલું બધુ ઉત્પાદક છે તે. તેથી આ ભગવાનરહિત સમાજમાં તે લોકોએ સુંદર, સુશોભિત મંદિર નિર્માણ કરવાનું બંધ કરી દીધું છે... વૃંદાવનમાં ગોવિંદજીનું એક મંદિર છે જે સાત માળનું હતું. ચાર માળ ઔરંગઝેબ દ્વારા રાજનીતિક કારણોને કારણે તોડી કાઢવામાં આવ્યા હતા. છતાં, ત્રણ માળ હજુ પણ છે. જો કોઈ વ્યક્તિ ત્યાં જાય તો તે જોશે કે તે મંદિરમાં કેટલી અદ્ભુત કારીગરી છે. તો શું તેનો મતલબ તે હતો કે તે રાજાઓ કે ધનવાન માણસો, તે બધા મૂર્ખાઓ હતા? ફક્ત અત્યારના સમયમાં જ આપણે બુદ્ધિશાળી છીએ? ના. તે મૂર્ખાઓ નથી. તે પ્રહલાદ મહારાજની પ્રાર્થનાઓમાં સમજાવેલું છે. નૈવાત્મન: પ્રભુર અયમ નિજ લાભ પૂર્ણો (શ્રી.ભા. ૭.૯.૧૧). તમે પરમ ભગવાનને એક સુંદર મંદિર બાંધીને સંતુષ્ટ ના કરી શકો, પણ છતાં તેઓ સંતુષ્ટ થાય છે. છતાં, તેઓ સંતુષ્ટ થાય છે. તે છે નિજ લાભ પૂર્ણો. તેઓ પોતાનાથી પૂર્ણ રીતે સંતુષ્ટ છે કારણકે તેમને કોઈ ઈચ્છા નથી. આપણે ઈચ્છા છે. ધારો કે હું એક નાનું એપાર્ટમેંટ ધરાવું છું. જો કોઈ વ્યક્તિ કહે, "સ્વામીજી, ચાલો. હું એક બહુ જ સુંદર ભવ્ય મંદિર બાંધીશ. તમે અહી આવો." ઓહ, હું ઘણો આભારી થઈશ. પણ શું કૃષ્ણ, અથવા ભગવાન, તેવા છે? તેઓ ઘણા બધા સુંદર ગ્રહો બનાવી શકે છે, ફક્ત એક નહીં, બે નહીં, પણ લાખો અને કરોડો, ઘણા બધા સુંદર મહાસાગરો અને પર્વતો અને ટેકરીઓ અને જંગલો અને જીવોથી ભરેલા. અને શા માટે તેઓ મારા દ્વારા બાંધેલા એક મંદિરની પાછળ હોય? ના. તે હકીકત નથી.