GU/Prabhupada 0518 - બદ્ધ જીવનના ચાર કાર્યો મતલબ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા, અને રોગ
Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968
જો તમારે ભૌતિક અસ્તિત્વનો ઉકેલ ભૌતિક રીતે લાવવો હોય, તો તે શક્ય નથી. તે પણ સ્પષ્ટ રૂપે જણાવેલું છે. ભગવદ ગીતામાં તમને મળશે, દૈવી હી એષા ગુણમયી મમ માયા દુરત્યયા (ભ.ગી. ૭.૧૪). આ ભૌતિક પ્રકૃતિ જે સ્વીકારવામાં આવેલી છે, કૃષ્ણ દાવો કરે છે કે "મારી શક્તિ," મમ માયા... તે પણ કૃષ્ણની બીજી શક્તિ છે. સાતમા અધ્યાયમાં બધુ જ સમજાવવામાં આવશે. તો આ શક્તિથી બહાર જવું બહુ જ મુશ્કેલ છે. વ્યાવહારિક રીતે આપણે જોઈએ છીએ - આપણે શું છીએ? ભૌતિક પ્રકૃતિના નિયમો પર વિજય પ્રાપ્ત કરવાના આપણા પ્રયાસો ખૂબ જ તુચ્છ છે. તે ફક્ત સમયનો બગાડ છે. તમે ભૌતિક પ્રકૃતિ પર વિજય પ્રાપ્ત કરીને સુખી ના બની શકો. અત્યારે વિજ્ઞાને ઘણી બધી વસ્તુઓ શોધી છે. જેમ કે, ભારતમાથી વિમાન. તમારા દેશમાં આવવા માટે મહિનાઓ લાગ્યા હોત, પણ વિમાનથી આપણે અહી એક દિવસમાં આવી શકીએ છીએ. આ લાભો છે. પણ આ લાભોની સાથે સાથે, ઘણા બધા ગેરલાભો પણ છે. જ્યારે તમે આકાશમાં વિમાનમાં છો, તમે જાણો છો કે તમે સંકટમાં છો. કોઈ પણ ક્ષણે તે તૂટી શકે છે. તમે દરિયામાં પડી શકો છો, તમે ગમે તે સ્થળે પડી શકો છો. તો તે બહુ સુરક્ષિત નથી. તો તેવી જ રીતે, કોઈ પણ વિધિનું આપણે નિર્માણ કરીએ, આપણે શોધ કરીએ, ભૌતિક પ્રકૃતિના નિયમો પર વિજય પ્રાપ્ત કરવા, તે બીજી ભયંકર વસ્તુઓ સાથે આવે છે. તે પ્રકૃતિનો કાયદો છે. આ જીવનના ભૌતિક પાશમાથી છૂટવાની તે રીત નથી.
વાસ્તવિક માર્ગ છે કે મારા બદ્ધ જીવનના આ ચાર કાર્યો બંધ કરવા. બદ્ધ જીવનના ચાર કાર્યો મતલબ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા, અને રોગ. વાસ્તવિક રીતે, હું આધ્યાત્મિક આત્મા છું. તે ભગવદ ગીતાની શરૂઆતમાં સમજાવેલું છે, કે આત્મા ક્યારેય જન્મ નથી લેતો કે મરતો નથી. તે આ ચોક્કસ પ્રકારના શરીરના વિનાશ પછી પણ તેનું જીવન ચાલુ રાખે છે. આ શરીર અમુક વર્ષો માટેનો એક ચમકારો માત્ર છે. પણ તે સમાપ્ત થઈ જશે. તે ધીરે ધીરે સમાપ્ત થઈ રહ્યું છે. જેમ કે હું એક તોતેર વર્ષનો વૃદ્ધ માણસ છું. ધારો કે હું એશી કે સો વર્ષ જીવું, આ તોતેર વર્ષ હું પહેલાથી જ પસાર કરી ચૂક્યો છું. તે સમાપ્ત છે. હવે થોડા વર્ષો માટે હું કદાચ રહી શકું છું. તો આપણે આપણી જન્મદિવસથી જ મૃત્યુ પામી રહ્યા છે. તે હકીકત છે. તો ભગવદ ગીતા તમને આ ચાર સમસ્યાઓનો ઉકેલ આપે છે. અને કૃષ્ણ અહી સલાહ આપે છે, મયી આસક્ત મના: પાર્થ યોગમ યુંજન મદાશ્રય. જો તમે કૃષ્ણની શરણ લેશો અને જો તમે હમેશા કૃષ્ણ વિશે વિચારશો, તમારી ચેતના કૃષ્ણ વિચારોથી હમેશા ઓતપ્રોત રહેશે, તો કૃષ્ણ કહે છે કે પરિણામ હશે, અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તછૃણું (ભ.ગી. ૭.૧). "તો તું મને પૂર્ણ રૂપે સમજીશ, કોઈ પણ સંદેહ વગર."