GU/Prabhupada 0340 - તમે મૃત્યુ પામવા માટે નથી, પણ પ્રકૃતિ તમને બળ આપી રહી છે
Lecture on BG 9.1 -- Melbourne, June 29, 1974
- નમો મહા વદાન્યાય
- કૃષ્ણ પ્રેમ પ્રદાયતે
- કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય
- નામ્ને ગૌર-ત્વિશે નમઃ
- (ચૈ.ચ. મધ્ય ૧૯.૫૩)
શ્રીલ રૂપ ગોસ્વામી, જ્યારે તેઓ શ્રી ચૈતન્ય મહાપ્રભુને પ્રયાગમાં મળ્યા હતા... એક જગ્યા છે, ભારતમાં એક પવિત્ર જગ્યા છે, જેને પ્રયાગ કહેવાય છે. તો શ્રી ચૈતન્ય મહાપ્રભુ, તેમનો સન્યાસ આશ્રમ સ્વીકાર્યા બાદ, તેઓ પ્રયાગ અને બીજા બધા પવિત્ર તીર્થોએ ગયા હતા. તો શ્રીલ રૂપ ગોસ્વામી, તે સરકારી મંત્રી હતા, પણ તેઓ બધું છોડીને, શ્રી ચૈતન્ય મહાપ્રભુ સાથે આ હરે કૃષ્ણ આંદોલનમાં સંમિલિત થઇ ગયા. તો જ્યારે તેઓ તેમને પેહલી વાર મળ્યા, તેમણે આ શ્લોકનું ઉચ્ચારણ કર્યું હતું, નમો મહા વદાન્યાય. વદાન્યાય એટલે કે "સૌથી ઉદાર." ભગવાનના કેટલા બધા અવતારો છે, પણ રૂપ ગોસ્વામીએ કહ્યું, "હવે, ભગવાનના આ અવતાર, શ્રી ચૈતન્ય મહાપ્રભુ, સૌથી ઉદાર છે." નમો મહા-વદાન્યાય. કેમ સૌથી ઉદાર છે? કૃષ્ણ-પ્રેમ-પ્રદાય તે. "તમે તમારા આ સંકીર્તન આંદોલન દ્વારા તરત જ કૃષ્ણને આપી રહ્યા છો."
કૃષ્ણને સમજવું ખૂબજ મુશ્કેલ કાર્ય છે. કૃષ્ણે ભગવદ્ ગીતામાં વ્યક્તિગત રીતે કહ્યું છે કે,
- મનુષ્યાણામ સહસ્રેષુ
- કશ્ચિદ યતતિ સિદ્ધયે
- (ભ.ગી. ૭.૩)
"કેટલા બધા લાખો, લાખો વ્યક્તિઓમાંથી," આ જ યુગમાં નહીં, ભૂતકાળમાં પણ. મનુષ્યાણામ સહસ્રેષુ, "લાખો માણસોમાંથી, કશ્ચિદ યતતિ સિદ્ધયે, "એક વ્યક્તિ સિદ્ધ બનવાનો પ્રયાસ કરે છે." સામાન્ય રીતે, તેમને કોઈ જ્ઞાન નથી કે સિદ્ધિ એટલે કે શું છે. સિદ્ધિ શું છે તેઓ જાણતા નથી. સિદ્ધિ એટલે કે આ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગને રોકવું. તેને સિદ્ધિ કહેવાય છે. બધા લોકો સિદ્ધ બનવાનો પ્રયાસ કરે છે, પણ તેઓ જાણતા નથી કે સિદ્ધિ શું છે. સિદ્ધિ એટલે કે આ છે: જ્યારે તમે તમારા આ ચાર દોષોથી મુક્ત થઇ જશો. તે શું છે? જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ. દરેક વ્યક્તિ. કોઈને પણ મરવું નથી, પણ વ્યક્તિએ બળપૂર્વક મરવું પડે છે. તે અપૂર્ણતા છે. પણ આ ધૂર્તો, તેઓ જાણતા નથી. તેઓ વિચારે છે કે આપણે મરવું પડે છે. પણ ના. કારણકે તમે શાશ્વત છો, તમે મૃત્યુ માટે નથી, પણ પ્રકૃતિ તમને બળપૂર્વક મારે છે.